સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તેયો તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો
જોઈએ, કેમકે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી.
વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી અને નાનો હોય
માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોયે નથી હોતો ને નાનોયે નથી હોતો. તે
મારા માપનો, લાયકનો હોય છે.
દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે
સ્વીકારવામાં મારું કલ્યાણ નથી. સૂરજનું અજવાળું મને ગમે છે. એ પ્રકાશથી પોષાઈને
હું વધું છું. સૂર્ય મારે સારુ વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારું પૃથ્વી
પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં.
એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલે તદ્દન તુચ્છ
હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે
તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે મારો
વિકાસ સાધવો જોઈએ. માછલીને કોઈ કહે કે, ‘પાણી કરતાં દૂધ કીમતી છે. દૂધમાં જઈને રહે,’ તો માછલી એ વાત માનશે? સ્વાભાવિક છે કે, માછલી પાણીમાં સલામત રહેશે
ને દૂધમાં મરી જશે.
બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી
ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય તેથી થાકીને કે
કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતાં વેંત
તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં
જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી
ઝૂંપડી ઊભી કરશે. પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. આ રીતે
સવાયો સંસાર ઊભો થશે.
એટલે સ્વધર્મમાં જ આપણું શ્રેય રહેલું છે.
તુલસીપત્રઃ સ્વધર્મ મા સમાન છે. મા
ગમે તેવી હોય, મા મટી શકતી નથી.